(Photo Credit : Pixabay.com)
ફેસબુક એ આજના જમાનામાં એક એવું માધ્યમ બની ગયું છે કે તેના વગર લોકોને ચાલતું પણ નથી હોતું, ક્યાક બહાર ગયા હોય એટલે તરત તેમાં સ્ટેટસ મૂકવું અને પોતાની સેલફીઓ મૂકવી. પણ, શું તમને ખબર છે કે ફેસબુક પાસે તમારી બધી જ જાણકારી પહેલેથી જ હોય છે ? જો તમે કોઈ ખોટા નામે ફેસબુક આઈડી બનાવ્યું હોય તો તેની જાણ પણ ફેસબુકને પહેલેથી જ હોય છે. તમે કેટલા વર્ષના થયા અથવા તો તમે શું નોકરી કરો છો, તમે ક્યાં રહો છો આ બધી જ માહિતી ફેસબુક પાસે હોય છે જો તમે ફેસબુક વાપરતા હશો તો.
ફેસબુક દ્વારા જે નવું એલ્ગોરિધમ વિકસાવવામાં આવ્યું છે તેમાં ફેસબુકને લગભગ બધી જ માહિતી તમારા વિશે ખબર હોય છે. તમે કોની કોની પ્રોફાઇલ ચેક કરો છો, તમારી પાસે કઈ કંપનીની બાઇક અથવા તો કાર છે અને તમારે કઈ કંપનીનો વીમો કરાવેલો છે, તમારા કોમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, તમારા SMS અને કોંટેક્ટ લિસ્ટ આ બધુ જ ફેસબુક જાણતું હોય છે. તમે કયા નંબર ઉપર કેટલી વાત કરો છો, તમે કઈ કઈ વેબસાઈટસની મુલાકાત લ્યો છો આ લગભગ બધી જ માહિતી તમારા વિશેની ફેસબુક પાસે હોય છે. હવે તમને પ્રશ્ન થશે કે સાલું આ કેવી રીતે ? આ બની જ ના શકે. તો આવો આગળ જાણીએ હવે.
જ્યારે પણ તમે પ્લે સ્ટોર ઉપરથી ફેસબુકની એપ્લીકેશન ડાઉનલોડ કરો છો ત્યારે તે તમારી પાસે કેટલીક પરમીશન માંગે છે. જે તમે જોયા અને વાંચ્યા વગર એકસેપ્ટ કરી લેતા હોવ છો. જે તમે નીચેના ફોટામાં જોઈ શકો છો.
ઉપરના ફોટા મુજબ તમારા ફોનમાં કેટલી એપ્લીકેશન ચાલી રહી છે, કેમેરાની એક્સેસ, તમારી બ્રાઉસઝિંગ હિસ્ટ્રી જેવી ઘણી એક્સેસ ફેસબુક દ્વારા માંગવામાં આવી છે. જેનું લિસ્ટ ઉપર આપેલ છે. જેમાં તમે પ્લે સ્ટોર ઉપર જઈને જોઈ શકો છો કે નવા લેટેસ્ટ વર્ઝનમાં ફેસબુક દ્વારા કઈ કઈ પરમીશન માંગવામાં આવી છે. જેમ જેમ નવી અપડેટ આવતી હોય છે તેમ તેમ તેમાં ફેરફાર થતાં રહેતા હોય છે.
હવે તમને પ્રશ્ન થશે કે ફેસબુક આવું શા માટે કરે છે ? આટલો બધો ડેટા સાચવવા માટે પણ કેટલા બધા કોમ્પ્યુટરની જરૂર પડતી હશે ને કેટલા પૈસા ખર્ચવા પડતાં હશે ? તો આપને જણાવી દઉં કે ફેસબુક આ બધુ પૈસા માટે જ કરતું હોય છે. ફેસબુક તમને કેટલીક ઓફર આપતું હોય છે. જેમાં તમે ફેસબુક પાસે પોતાનો આજ સુધીનો બધો ડેટા માંગી શકો છો અને બીજું કે તમે તેમાં બતાવવામાં આવતી કઈ જાહેરાત માટે યોગ્ય છો તે. હવે આગળ જાણીએ કે ફેસબુક પૈસા માટે આ બધુ શા માટે કરે છે.
જ્યારે તમે ટીવી જોવા બેઠા હોવ છો અને તેમાં તમે મૂવી અથવા તો કોઈ સિરિયલ જોઈ રહ્યા છો તો તેમાં વચ્ચે વચ્ચે જાહેરાતો આવતી હોય છે. આ જાહેરાત આવવાથી તમને વચ્ચે વચ્ચે કંટાળો આવતો હોય છે. ચેનલોવાળાને કોઈ રસ હોતો નથી કે તમે શું જોવો છો અને તમને શું પસંદ છે તે. તેમને ખાલી પોતાની ચેનલો ઉપર મોંઘી મોંઘી જાહેરાતો બતાવવામાં રસ હોય છે. જ્યારે તમે ફેસબુક વાપરતા હોય છો તો તેમાં તમને એવું નહીં મળે. ફેસબુકથી કંટાળી તમે બીજા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જતાં ન રહો તે માટે તમારો ડેટા તે લેતું હોય છે. જેના દ્વારા તમને શેમાં રસ છે તે જાણી લે છે અને તે મુજબ તમને તમારી ફેસબુક ઉપર એડ (જાહેરાતો) બતાવતું હોય છે. હવે તમને ખબર પડી હશે કે શા માટે આટલી બધી જાણકારી ફેસબુક રાખે છે. ફેસબુક એ તમને સી ચાર પ્રકારે ટાર્ગેટ કરતું હોય છે. જે નીચે મુજબ છે.
૧) જીઓ ટાર્ગેટિંગ : આમાં ફેસબુક તમને તમારી લોકેશનના આધારે ટાર્ગેટ કરતું હોય છે. જેમ કે તમે જે વિસ્તારમાં રહો છો અને તે જ વિસ્તારનો કોઈ વ્યક્તિ ફેસબુકમાં જાહેરાત આપે છે તો ફેસબુક તમને તે જ વિસ્તારની જાહેરાત બતાવશે. કોઈ બહારના રાજયમાં તે જાહેરાત બતાવશે નહીં. કેમ કે તેમને બતાવીને કોઈ ફાયદો નથી.
૨) ડેમોગ્રાફિક્સ : આમાં તમારો બર્થ ડે ક્યારે છે, તમારા લગ્ન થયા છે કે નહીં, તમે કેટલું ભણ્યા છો, તમે સિંગલ છો કે ડીવોર્સી છો, તમે હાલમાં કઈ નવી નોકરી લીધી છે આ બધી જ બાબતો આધારે તમને આમાં ટાર્ગેટ કરતું હોય છે અને તે મુજબ તમને તેની જાહેરાત બતાવે છે.
૩) ઈન્ટરેસ્ટ : તમને શેમાં રસ છે તેના વિશેની જાણકારી ફેસબુક મેળવતું હોય છે. એ મુજબ તમને તમારા ઇન્ટરેસ્ટ મુજબ તે તમને જાહેરાતો બતાવતું હોય છે. તે તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને અન્ય ડેટા ને આધારે થતું હોય છે.
૪) બિહેવિયર : આમાં તમારી રાષ્ટ્રીયતા શું છે, તમે કઈ રોજિંદી ચીજવસ્તુઓ વાપરો છો, તમે કઈ કંપનીનો ફોન વાપરો છો, કઈ વેબસાઇટની મુલાકાત લ્યો છો તે મુજબ કાર્ય કરે છે. જો તમે કોઈ ટીશર્ટની એડ ઉપર ક્લિક કર્યું અને તે તમે ખરીદી નથી તો ફેસબુક થોડા સમય પછી તે જ જાહેરાત તમને પાછી બતાવશે.
આ પણ વાંચો:
આમ ઉપર મુજબ ફેસબુક કામ કરતું હોય છે અને તમારો ડેટા કલેક્ટ કરીને તમારા જ ઇન્ટરેસ્ટ મુજબ તમને જાહેરાતો બતાવતું હોય છે. ફેસબુક એ તમને જાહેરાત મૂકવાના પૈસા લેતું હોય છે અને તેનાથી તે પૈસા કમાતુ હોય છે. જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો. અમે આવી માહિતી મુકતા રહીશું. આભાર.
માહિતી: ફેસબુક મિત્ર હેમંત પટેલ