સાવિત્રીબાઈ ફુલે જીવન પરિચય:
સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ ૩ જાન્યુઆરી ૧૮૩૧ ના રોજ તે સમયના બોમ્બે પ્રેસિડેન્સી મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ ખાતે થયો હતો. સાવિત્રીબાઈનું જન્મસ્થળ શિરવલથી લગભગ પાંચ કિમી અને પુણેથી આશરે ૫૦ કિમી હતું. સાવિત્રીબાઈના પિતાનું નામ ખાંડોજી અને માતાનું નામ લક્ષ્મી હતું. તેમનો જન્મ એ માળી સમુદાયમાં થયો હતો. તેમના લગ્ન ૧૦ વર્ષની ઉંમરે જ્યોતિરવ સાથે થઈ ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું માટે તેમને બ્રામ્હણ વિધવાના પુત્રને દત્તક લીધો હતો.
સાવિત્રીબાઈ ફુલેનું શિક્ષણ:
સાવિત્રીબાઈના જ્યારે લગ્ન થયા હતા તે સમયે તેઓ નિરક્ષર હતા. તેં સમયે નિમ્ન જાતિઓ માટે શિક્ષણ મેળવવું ખૂબ કઠિન ગણાતું. જ્યોતિરાવે સાતમા ધોરણ સુધી અભ્યાસ કરેલો અને તેમણે જ સાવિત્રીબાઈને શિક્ષણ આપેલું. જે સમયે તેમણે શિક્ષણ લીધું હતું તે સમયે તેમના માટે શિક્ષણ મેળવવું એ ખૂબ જ અઘરું ગણાતું હતું. તેઓને પ્રાથમિક શિક્ષણ જ્યોતિરવ દ્વારા મળ્યું હતું અને આગળનું શિક્ષણ એ જ્યોતિરાવના બે મિત્રો દ્વારા મળ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે યોગદાન અને સામાજિક વિરોધ:
શિક્ષણ ક્ષેત્રે સાવિત્રીબાઈનું યોગદાન જોવા જઈએ તો ૧ લી મે ૧૮૪૭ માં તેમણે અછૂત કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી હતી અને તે સમયની પ્રથમ કન્યાશાળા તેઓ દ્વારા ખોલવામાં આવી હતી. શરૂઆતમાં આ શાળા ભીડેવાડામાં શરૂ કરી હતી. પરંતુ સમય જતાં ૧૮૫૧ ના વર્ષમાં તેમણે આવી ત્રણ શાળાઓ ખોલી હતી. શાળામાં તેઓ ગણિત. વિજ્ઞાન અને સમાજવિધા જેવા વિષયો ભણાવતા હતા. તે સમયના તેઓ પ્રથમ મહિલા પ્રિન્સિપલ હતા. જે સમયે તેઓ બાળાઓને ભણાવવા જતાં તે સમયે તેઓ થેલીમાં એક અલગ સાડી લઈ જતાં. કેમ કે તે સમયે લોકો તેમણે પથ્થર મારતા અને તેમના ઉપર કીચ્ચડ ફેંકતા. આમ આવી પરિસ્થિઓનો સામનો કરીને તેઓ લોકોને ભણાવવા જતાં હતા.
સત્યશોધક સમાજની સ્થાપના:
સાવિત્રીબાઈ ફુલે અને જ્યોતિરવ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ ના રોજ સત્યશોધક સમાજની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે વિધવા વિવાહની પરંપરા શરૂ કરી હતી અને આ સંસ્થા દ્વારા પહેલા વિધવા પુનઃવિવાહ ૨૫ ડિસેમ્બર ૧૮૭૩ ના રોજ કરવવામાં આવ્યા હતા. સાવિત્રીબાઈ ફુલે એ દેશના પહેલા મહિલા શિક્ષિકા જ નહીં પણ સ્ત્રીઓના અધિકારો અને દલિત વર્ગના અધિકારો માટે તેમણે ખૂબ જ કામ કર્યું છે. તેમણે તેમનું પૂરું જીવન અધિકારો માટે સમર્પિત કરી દીધું હતું અને આ સંઘર્ષ માટે તેમને હમેશા યાદ કરવામાં આવશે.
સાવિત્રીબાઈનું મૃત્યુ:
૧૦ માર્ચ ૧૮૯૭ ના રોજ પ્લેગ રોગને કારણે તેમનું અવસાન થયું હતું. ૧૮૯૭ ના વર્ષમાં નાલાસોપારાની આસપાસ પ્લેગ રોગનો ફેલાવો ઘણો થયો હતો. આ પ્લેગની મહામારી ફેલાતા તેમના દ્વારા અને તેમના પુત્ર દ્વારા એક દવાખાનું ખોલવામાં આવ્યું હતું અને તેમાં તેઓ પ્લેગ રોગના દર્દીઓની સારવાર કરતાં હતા. પ્લેગ રોગથી પીડિત એક બાળકની સેવા કરતાં કરતાં તેમને પણ પ્લેગ રોગ લાગુ પડી ગયો હતો અને ૧૦ માર્ચના રોજ તેમનું અવસાન થયું હતું.