Ads Area

જાણો ભારતના ઉપ-રાષ્ટ્રપતિ વિશે અને તેમની ચૂંટણી વિશે

Vice President Of India Information In Gujarati

ભારતીય બંધારણમાં ઉપ-રાષ્ટ્રપતિનું પદ એ રાષ્ટ્રપતિ પછી બીજા નંબરે આવે છે. તેમનું પદ એ વિશિષ્ટ પ્રકારનું માનવમાં આવે છે. ભારતીય બંધારણમાં જણાવ્યા પ્રમાણે ભારતના એક ઉપ-રાષ્ટ્રપતિ રહેશે. જે મુજબ તેમને ભારતના બીજા વ્યક્તિ તરીકે પણ ગણવામાં આવે છે. આજે તમને અહિયાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિના હોદ્દા વિશે તમામ માહિતી જાણવા મળશે. તો ચાલો હવે જાણીએ. 

ભારતના ઉપ-રાષ્ટ્રપતિ:

ભારતીય બંધારણમાં ભાગ-૫ માં રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિના હોદ્દા વિશે વાત કરવામાં આવી છે. જેમાં નીચે મુજબ 

  • આર્ટીકલ ૬૩ માં ભારતના રાષ્ટ્રપતિ 
  • આર્ટીકલ ૬૪ મુજબ ઉપ-રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે
  • આર્ટીકલ ૬૫ મુજબ રાષ્ટ્રપતિનો હોદ્દો પ્રસંગોપાત ખાલી રહે તે દરમિયાન અથવા તેમની ગેરહાજરી દરમિયાન રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે અને તેમના કાર્યો બજાવશે
  • આર્ટીકલ ૬૬ માં ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી 
  • આર્ટીકલ ૬૭ માં ઉપ-રાષ્ટ્રપતિનાં હોદ્દાની મુદ્દત  
  • આર્ટીકલ ૬૮ માં ઉપ-રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો તે ભરવા માટે ચૂંટણી કરવાનો, સમય અને પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા ચૂંટાયેલ વ્યક્તિની હોદ્દાની મુદ્દત
  • આર્ટીકલ ૬૯ માં ઉપ-રાષ્ટ્રપતિએ લેવાના શપથ 
  • આર્ટીકલ ૭૦ માં અન્ય આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિનાં કાર્યો બજાવવા બાબત

વગેરેની આ આર્ટિકલોમાં ઉપ-રાષ્ટ્રપતિ વિશે વાત કરવામાં આવી છે.  

ઉપ-રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહશે (આર્ટીકલ ૬૪):

ભારતીય બંધારણના આર્ટીકલ ૬૪ પ્રમાણે ઉપ-રાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ રહેશે. તે બીજો કોઈપણ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં. જો કોઈ કારણોસર ઉપ-રાષ્ટ્રપતિ બંધારણના આર્ટીકલ ૬૫ મુજબ રાષ્ટ્રપતિના કાર્યો બજાવે તો તે રાજ્યસભાના સભાપતિના હોદ્દાની ફરજો બજાવી શકે નહીં. આર્ટીકલ ૯૭ હેઠળ રાજ્યસભાના સભાપતિને અપાતો પગાર કે ભથથા મળવાપાત્ર રહેશે નહીં. 

રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે અથવા તેમના કાર્ય  બજાવશે (આર્ટીકલ ૬૫):

 આર્ટીકલ ૬૫ મુજબ રાષ્ટ્રપતિનાં મૃત્યુ, રાજીનામાં કે પદભ્રંશ અથવા બીજા કારણે રાષ્ટ્રપતિનાં હોદ્દાની જગ્યા ખાલી પડે તે પ્રસંગે આ પ્રકરણની જોગવાઇઓ અનુસાર ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિએ જ્યાં સુધી પોતાનો હોદ્દો ન સંભાળે ત્યાં સુધી ઉપ-રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. ગેરહાજરી અથવા તો માંદગીના અથવા બીજા કોઈ કારણોસર રાષ્ટ્રપતિ પોતાના કાર્ય બજાવી શકે તેમ ન હોય તો રાષ્ટ્રપતિ પોતાનો ફરજો સંભાળે તે તારીખ સુધી ઉપ-રાષ્ટ્રપતિ તેમના કાર્યો કરશે. ઉપ-રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા હોય ત્યારે તે અંગે રાષ્ટ્રપતિની સર્વે સત્તાઓ અને તેઓને સંસદ કાયદાથી ઠરાવે તેવા મળતરો, ભથ્થાં, અને વિશેષાધિકારોનો બીજી અનુસૂચિમાં નિર્દિષ્ટ કર્યા મુજબનો હક રહેશે. 

ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી (આર્ટીકલ ૬૬):

આર્ટીકલ ૬૬ મુજબ સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદારગણના સભ્યો પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર ક્રમિક મતપધ્ધતિથી ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે અને એવી ચૂંટણી પ્રસંગે મતદાન ગુપ્ત મતદાનથી થશે. ઉપ-રાષ્ટ્રપતિ સંસદના બેમાથી કોઈ ગૃહના અથવા તો કોઈ રાજ્યની વિધાનમંડળના સભ્ય હોવા જોઈશે નહી. જો સંસદના બેમાથી કોઈ ગૃહના અથવા તો કોઈ રાજ્યની વિધાનમંડળના સભ્ય ઉપ-રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ તો તેઓ ઉપ-રાષ્ટ્રપતિ તરીકે હોદ્દો સંભાળે તે તારીખે તેમણે ગૃહમાની પોતાની બેઠક ખાલી કરેલ ગણાશે. 

કોઈપણ વ્યક્તિ જે ભારતનો નાગરિક ન હોય, પાંત્રીસ વર્ષની ઉંમર પૂરી કરેલ ન હોય, રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાને લાયક ન હોય તો તે ઉપ-રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાને લાયક ગણાશે નહીં. તે ભારત સરકારના અથવા તો કોઈ રાજ્યની રાજ્ય સરકારના લાભદાયક હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહીં. 

ઉપ-રાષ્ટ્રપતિનાં હોદ્દાની મુદ્દત (આર્ટીકલ ૬૭):

આર્ટીકલ ૬૭ મુજબ ઉપ-રાષ્ટ્રપતિનો હોદ્દાની મુદ્દત એ તેઓ પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષ સુધીની રહેશે. પરંતુ ઉપ-રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકે છે. 

રાજ્યસભાના તે વખતના તમામ સભ્યોની બહુમતિથી પસાર થયેલા અને લોકસભાએ સંમતિ આપેલા રાજ્યસભાના ઠરાવથી ઉપ-રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવશે. આ માટે કોઈ ઠરાવ તે રજૂ કરવાના ઇરાદાથી ઓછામાં ઓછા ચૌદ દિવસની નોટિસ અપાઈ ન હોય તો તે રજૂ કરી શકાશે નહીં. પોતાના હોદ્દાની મુદ્દત પૂરી થાય પછી પોતાના ઉત્તરાધિકારી તેમનો હોદ્દો સંભાળે ત્યાં સુધી ઉપ-રાષ્ટ્રપતિ હોદ્દા ઉપર ચાલુ રહેશે. 

ઉપ-રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો તે ભરવા માટે ચૂંટણી કરવાનો, સમય અને પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા ચૂંટાયેલ વ્યક્તિના હોદ્દાની મુદ્દત (આર્ટીકલ ૬૮):

આર્ટીકલ ૬૮ મુજબ ઉપ-રાષ્ટ્રપતિનાં હોદ્દાની મુદ્દત પૂરી થવાથી ખાલી પડતી જગ્યા ભરવા માટેની ચૂંટણી તે મુદ્દત પૂરી થતાં પહેલા કરી લેવી જોશે. ઉપ-રાષ્ટ્રપતિનાં મૃત્યુ, રાજીનામાં કે પદભ્રંશને અથવા બીજા કોઈ કારણોસર તેમના હોદ્દાની જગ્યા ખાલી પડે તો જગ્યા ખાલી પડ્યાની તારીખ પછી બનતી ત્વરાએ ભરવા માટે ચૂંટણી કરવામાં આવશે અને ખાલી પડેલી જગ્યા ઉપર ચૂંટાયેલી વ્યક્તિને અનુચ્છેદ ૬૭ ની જોગવાઇઓને આધીન રહીને પોતે હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષની પૂરી મુદ્દત સુધી હોદ્દો ધરાવવાનો હક રહેશે. 

ઉપ-રાષ્ટ્રપતિએ લેવાના શપથ (આર્ટીકલ ૬૯) :

આર્ટીકલ ૬૯ મુજબ દરેક ઉપ-રાષ્ટ્રપતિએ હોદ્દો સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તેમણે નિમેલ વ્યક્તિ સમક્ષ નીચે મુજબ શપથ લેવાના રહેશે અને તેના ઉપર સહી કરવાની રહેશે. 

"હું ..... ઈશ્વરના નામે સોગંદ લઉં છું અથવા તો ગંભીરતા પૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ અને હું સ્વીકારી રહ્યો છું તે કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવીશ."

અન્ય આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિનાં કાર્યો બજાવવા બાબત (આર્ટીકલ ૭૦):

આર્ટીકલ ૭૦ મુજબ આ પ્રકરણમાં જેને માટે જોગવાઈ કરી ન હોય એવા કોઈ આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિનાં કાર્યો બજાવવા માટે સંસદ પોતાને યોગ્ય લાગે તેવી જોગવાઈ કરી શકે છે. 

આ પણ વાંચો:

આમ ઉપર મુજબ આપણે ઉપ-રાષ્ટ્રપતિનાં હોદ્દા વિશે સમગ્ર માહિતી મેળવી. આ માહિતી એ ભારતના બંધારણમાં આપેલી માહિતી મુજબ જ મૂકવામાં આવી છે અને આ માહિતી તમારી આવનારી સ્પર્ધાત્મ્ક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહે તે હેતુસર અહિયાં મૂકવામાં આવી છે. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી બનશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આભાર. 

માહિતી સ્રોત : https://legislative.gov.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area