Ads Area

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ - કવિ નર્મદની જન્મજયંતી (World Gujarati Language Day)

This is the photo of famous Gujarati Poet Narmad. Narmadashankar Labhshankar Dave


કવિ નર્મદાશંકર લાભશંકર દવેની જન્મજયંતીને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati Language Day) તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતીઓ આજના એટ્લે કે ૨૪ મી ઓગષ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવે છે. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ૨૪ ઓગષ્ટના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નર્મદાશંકર લાભશંકર દવે કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક હતા. આવો વધુ જાણીએ તેમના વિશે. 

કવિ નર્મદનું જીવન પરિચય:

કવિ નર્મદનો જન્મ આપણાં ગુજરાતનાં સુરત શહેર ખાતે થયો હતો. તેમની આત્મકથા 'મારી હકીકત' માં તેઓ કહે છે કે સુરત શહેરના આમલીરાન નામના મહોલ્લામાં મારા બાપદાદાના ઘરમાં હું મારી માને પેટે ગર્ભરૂપ થઈ, કોટવાલી શેહેરી નામના મહોલ્લામાં મારી માને મોસાળ સંવત ૧૮૮૯ ના પહેલા ભાદરવા સુદ દસમને શનિવારે અથવા સન ૧૮૩૩ ના ઓગષ્ટ મહિનાની ૨૪ મી તારીખે સુરજ ઉગતે જન્મ્યો હતો.  તેઓ પોતાની આત્મકથામાં લખે છે કે હું જન્મ્યો ત્યારે મારુ માથું લાંબુ હતુ અને મારો ચહેરો વિચિત્ર પ્રકારનો હતો. જન્મના દસેક મહિના બાદ તેઓ તેમનાં પિતાજી પાસે મુંબઈ રહેવા ગયા હતાં.

અભ્યાસ: 

મુંબઈની ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળમાં પાંચ વર્ષની ઉંમરે શાળામાં પ્રવેશ લીધો હતો. પછી સુરતમાં આવેલી ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં તેઓએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. વર્ષ ૧૮૪૫ નાં વર્ષમાં તેઓએ અંગ્રેજી શાળામાં પ્રવેશ લીધો હતો. પોતાના મિત્ર ઝવેરીલાલનાં સુચનથી તેઓએ બીજીવાર કૉલેજમાં પ્રવેશ લીધો હતો અને તેં જ સમયે તેમને કવિતા પ્રત્યે વધારે લગાવ થઈ ગયો હતો. 

આગળનું જીવન:

પોતાના જીવનની ૨૩ મી વર્ષગાંઠ થી તેમણે કાવ્યલેખનાનો પ્રારંભ કર્યો હતો. તેમણે કવિતા વાંચન અને પીંગળજ્ઞાનનો ખૂબ અભ્યાસ કર્યો હતો. સાથે સાથે તેઓ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે પણ જોડાયા હતા. ૧૮૫૮ ના વર્ષમાં તેઓએ કલમને ખોળે માથું મૂકી દઈને શિક્ષકની નોકરી હમેશા માટે છોડી દીધી હતી. વર્ષ ૧૮૬૪ ના વર્ષમાં તેમણે "દાંડિયો" પખવાડિક ની શરૂઆત કરી હતી. ૧૮૭૫ પછી તેમને તેમના સુધારા વિશેનો ભ્રમ ભાંગતા અને વિચારપરિવર્તન થતાં આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો હતો. વર્ષ ૧૮૮૨ માં તમને પ્રતિજ્ઞા ત્યજીને ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો સ્વીકાર કર્યો હતો. 

નર્મદે કરેલા સુધારાઓ:

વર્ષ ૧૮૪૦ થી ૧૮૬૦ સુધીના સમયગાળાને નર્મદ દ્વારા સુધારાનો બોધકાળ કહ્યો છે. નર્મદનું લક્ષ્ય સમાજમાં વિવિધ સુધારાઓ લાવવાનું હતું. નર્મદ દ્વારા ગુજરાતમાં પુનઃવિવાહ શરૂ કરવા બાબતે વર્ષ ૧૮૫૧ માં 'બુદ્ધિ વર્ધક સભા (સંસ્થા)' અને 'જ્ઞાનસગર' નામના સામાયિકની નીડર તંત્રી તરીકે કામગીરી કરી હતી. નર્મદ દ્વારા વર્ષ ૧૮૫૧ થી ૧૮૫૪ ના સમયગાળા દરમિયાન સુરતમાં રહ્યા તે સમયે 'સ્વદેશી હિતેચ્છુ' નામની મંડળી સ્થાપી હતી. ૭ મી જુલાઇ ૧૮૬૦ ના રોજ શિક્ષકની નોકરી છોડીને તત્વશોધક સભાની સ્થાપના મુંબઈમાં કરી હતી. તેમણે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે અને દંભ અને જૂઠાણાંને કાયમી તિલાંજલિ આપવા માટે સપ્ટેમ્બર માસમાં ૧૮૬૪ માં "દાંડિયો" પાક્ષિકની શરૂઆત કરી હતી. 

કુરિવાજો, બાળલગ્ન, વિધવા પુનઃલગ્ન અને અન્ય સુધારાઓ:

૧૯ મી સદી પહેલા સમાજમાં બાળલગ્ન, સતીપ્રથા, અસ્પૃશ્યતા, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ, વહેમ અને અંધશ્રધ્ધા, બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ વગેરે જેવા રિવાજોને તિલાંજલિ આપવા માટે નર્મદ દ્વારા કલામ ચલાવવામાં આવી હતી.

આજ સમયે ગુજરાતમાં બાળલગ્નનું પ્રમાણ ફૂલયુ ફાલ્યું હતું. સમાજમાં કન્યાના લગ્ન દસ-બાર વર્ષની ઉમરે જ કરી નાખવામાં આવતા હતા. જેના કારણે બાળમૃત્યુ અને વિધવાનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. કન્યાના માતા-પિતા દસ-બાર વર્ષની ઉમરે તેમના લગ્ન ન કરે તો સમાજમાં ટકવાનો તેમને અધિકાર નહોતો. આથી નાની ઉમરમાં જ તેમના લગ્ન કરવવામાં આવતા હતા. આ બધુ નાબૂદ કરવા માટે નર્મદ, કરશનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ અને નવલરામ જેવા સમાજસુધારકોએ સામયિકો અને સભાઓમાં ભાષાણો દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. 

ગુજરાતમાં વિધવા પુનઃલગ્નની શરૂઆત વણીકો દ્વારા કરવામાં આવી હતી અને વર્ષ ૧૮૬૮ માં વિધવા પુનઃલગ્નમંડળની સ્થાપના અમદાવાદમા કરવામાં આવી હતી. વર્ષ ૧૮૫૬ ના રોજ બ્રિટિશ સરકાર (કેનિંગે) પુનઃલગ્નનો કાયદો પસાર કર્યો હતો. પરંતુ સાચા અર્થમાં તેનો યશ નર્મદને ફાળે જાય છે. ૧૮૬૯-૭૦ માં નર્મદાગૌરી નામની વિધવા સાથે પત્ની હોવા છતાં ત્રીજીવર લગ્ન કરી વિધવા પુનઃલગ્નની શરૂઆત કરી હતી. 

આ સિવાય નર્મદ દ્વારા સ્ત્રી કેળવણી, સ્વદેશાભિમાન, વૈધવ્ય ચિત્ર ઉપર સભાઓમાં ભાષણો કરવામાં આવ્યા હતા. લોકો વહેમ અને અંધશ્રધ્ધાના શિકાર ન બને તે માટે વર્ષ ૧૮૬૪ માં 'હિન્દુઓની પડતી' નામે પુસ્તક લખીને તેઓએ લોકોને સાવધ કર્યા હતા. અર્વાચીન યુગની સાહિત્ય કે સામાજિક એવી કોઈપણ પ્રવૃત્તિ બાકી નહીં હોય જે નર્મદ દ્વારા કરવામાં આવી નહીં હોય. 

સમાજસુધારા માટે સાહિત્ય અને અન્ય ક્ષેત્રે પ્રદાન:

નર્મદ દ્વારા દાંડિયો પાક્ષિક ૧૮૬૪ માં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના કુરિવાજોને તેમણે ઉઘાડા પાડ્યા હતા. વર્ષ ૧૮૫૧ માં તેમણે જ્ઞાનસગર નામના સાપ્તાહિક દ્વારા સામાજિક ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં કાર્ય કર્યું હતું. વર્ષ ૧૮૫૫ માં સત્યપ્રકાશ નામના સાપ્તાહિક દ્વારા સમાજની બદીઓ નાબૂદ કરી હતી. નર્મદે ગુજરાતીઓને ધર્મભાવના પ્રબળ બને તે માટે વર્ષ ૧૮૭૦ માં રામાયણ, મહાભારત તથા ઇલિયડસાર નામના ગ્રંથો તેમજ ૧૮૮૬ માં બાલકૃષ્ણ વિજય નામનું નાટક પ્રકાશિત કર્યું હતું.  

એમનાં ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.

એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.

એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.

‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે.

અવસાન:

લગભગ આઠ મહિનાની સંધિવાની માંદગી બાદ તેમનું અવસાન તારીખ ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ ના રોજ થયું હતું. માનવમાં આવે છે કે અર્વાચીનયુગનો પ્રારંભ એ નર્મદથી થયો હતો. વિવિધ પધ્યસ્વરૂપો અને ગધ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેમને ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણવામાં આવ્યા છે.  

માહિતી સ્ત્રોત: https://gu.wikipedia.org/wiki/નર્મદ, http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Narmadashankar-Dave.html, http://www.raijmr.com/ijrsml/wp-content/uploads/2017/11/IJRSML_2014_vol02_issue_08_04.pdf

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area