Ads Area

રાજયપાલના હોદ્દા વિશે માહિતી

This is the photo of Gujarat Raj Bhavan, Gandhinagar.

(Photo Credit: contactdetailswala.in)

ભારતમાં જેટલા પણ રાજ્યો આવેલા છે તેમાં દરેક રાજ્યના રાજયપાલ હોય છે. રાજયપાલનું પદ એ રાજ્ય માટે ખૂબ જ મહત્વનુ ગણવામાં આવતું હોય છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે. જે પ્રકારે કેન્દ્રમાં રાષ્ટ્રના પ્રમુખ રાષ્ટ્રપતિ હોય છે તે પ્રમાણે રાજ્યના પ્રમુખ એ રાજયપાલ હોય છે. રાજ્યના રાજયપાલ એ રાજ્યના ઔપચારિક વડા હોય છે અને રાજ્યના બધા જ કાર્યો તેમના નામે થતાં હોય છે. આજે આપણે રાજયપાલના હોદ્દા વિશે તમામ માહિતી અહિયાં મેળવવાના છીએ. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. 

ભારતીય બંધારણના ભાગ-૬ ના પ્રકરણ ૨ મુજબ નીચેના આર્ટીકલોમાં રાજયપાલ વિશે અને તેમના હોદ્દા વિશે વાત કરવામાં આવી છે.  

  • આર્ટીકલ ૧૫૩ માં રાજયોના રાજયપાલ
  • આર્ટીકલ ૧૫૪ માં રાજ્યની કારોબારી સત્તા 
  • આર્ટીકલ ૧૫૫ માં રાજયપાલની નિમણૂક 
  • આર્ટીકલ ૧૫૬ માં રાજ્યપાલના હોદ્દાની મુદ્દત 
  • આર્ટીકલ ૧૫૭ માં રાજયપાલ તરીકેની નિમણૂક માટેની લાયકાતો 
  • આર્ટીકલ ૧૫૮ માં રાજ્યપાલના હોદ્દાની શરતો 
  • આર્ટીકલ ૧૫૯ માં રાજ્યપાલે લેવાના શપથ
  • આર્ટીકલ ૧૬૦ માં અમુક આકસ્મિક પ્રસંગે રાજયપાલના કાર્યો બજાવવા બાબત
  • આર્ટીકલ ૧૬૧ માં માફી વગેરે આપવાની તથા અમુક દાખલાઓમાં સજા મુલતવી રાખવાની, તેમાથી મુક્તિ આપવાની અથવા તે હળવી કરવાની રાજયપાલની સત્તા 
  •  આર્ટીકલ ૧૬૨ માં રાજ્યની કારોબારી સત્તાનો વિસ્તાર

રાજયોના રાજયપાલ (આર્ટીકલ ૧૫૩):

દરેક રાજ્યના એક રાજયપાલ રહેશે તેવું ભારતીય બંધારણના આર્ટીકલ ૧૫૩ માં જણાવવામાં આવ્યું છે. (એક જ વ્યક્તિની બે અથવા તેથી વધુ રાજયોની રાજયપાલ તરીકે નીમી શકાય છે.)

રાજયપાલની નિમણૂક (આર્ટીકલ ૧૫૫):

આર્ટીકલ ૧૫૫ મુજબ કોઈપણ રાજ્યના રાજયપાલને રાષ્ટ્રપતિ પોતાના સહી સિક્કાવાળા આદેશપત્રથી નિમશે. 

રાજયપાલના હોદ્દાની મુદ્દત (આર્ટીકલ ૧૫૬):

આર્ટીકલ ૧૫૬ મુજબ રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવી શકે છે. આર્ટીકલ ૧૫૬ મુજબ રાજયપાલ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણ દ્વારા પોતાનું રાજીનામું આપી શકે છે. આર્ટીકલ ૧૫૬ મુજબ તેઓના હોદ્દાની મુદ્દત તેઓ પોતે હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષની રહેશે અને રાજયપાલ પોતાના હોદ્દાની મુદ્દત પૂરી થાય પછી જ્યાં સુધી કોઈ બીજો ઉત્તરાધિકારી હોદ્દો ન સંભાળે ત્યાં સુધી હોદ્દા ઉપર ચાલુ રહેશે. 

રાજયપાલ તરીકેની નિમણૂક માટેની લાયકાતો (આર્ટીકલ ૧૫૭):

ભારતની નાગરિક ન હોય અને પાંત્રીસ વર્ષની ઉંમર પૂર્ણ ન કરી હોય તો તેવી વ્યક્તિ રાજયપાલ તરીકે નિમવા માટે પાત્ર ગણાશે નહીં. 

રાજયપાલના હોદ્દાની શરતો (આર્ટીકલ ૧૫૮):

રાજયપાલ સંસદના બીમાંથી કોઈ ગૃહના અથવા પહેલી અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા કોઈ રાજ્યના વિધાનમંડળના કોઈ ગૃહના સભ્ય હોવા જોઈશે નહીં, અને સંસદના બેમાંથી કોઈ ગૃહના અથવા કોઈ રાજ્યના વિધાનમંડળના કોઈ ગૃહના સભ્ય જો રાજયપાલ તરીકે નિમાય તો તેઓ રાજયપાલ તરીકે પોતાનો હોદ્દો સંભાળે તે તારીખે તેમણે તે ગૃહમાની બેઠક ખાલી કરેલ જણાશે. રાજયપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં. 

રાજયપાલને ભાડું આપ્યા વગર પોતાના હોદ્દાકીય નિવાસનો ઉપયોગ કરવાનો તેમજ કાયદાથી સંસદ ઠેરવે તે મળતરો, ભથ્થાં અને વિશેષાધિકારો મેળવવાનો હક રહેશે, અને તે અર્થે એ રીતે જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી બીજી અનુસૂચિમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણેના મળતરો, ભત્થા અને વિશેષાધિકારો મેળવવાનો હક રહેશે. એક જ વ્યક્તિને બે થવા બે થી વધુ રાજયોના રાજયપાલ તરીકે નીમવામાં આવી હોય ત્યારે તે રાજયપાલને આપવાના મળતરો અને ભત્થા રાષ્ટ્રપતિ નક્કી કરે તે મુજબ રાજ્યો વચ્ચે ફાળવવામાં આવશે. રાજ્યપાલના મળતરો અને ભથ્થા એ તેમના હોદ્દાની મુદ્દત દરમિયાન ઘટાડી શકાશે નહીં. 

રાજ્યપાલે લેવાના શપથ (આર્ટીકલ ૧૫૯):

દરેક રાજ્યપાલે અથવા તો રાજયપાલ તરીકેના કાર્યો બજાવતી વ્યક્તિએ પોતાનો હોદ્દો સંભાળતા પહેલા તે રાજ્યના સંબંધમાં હકૂમત ધરાવતા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમની ગેરહાજરીમાં તે ન્યાયાલયના ઉપલબ્ધ ન્યાયાધીશોમાથી સૌથી સિનિયર ન્યાયાધીશની હાજરીમાં નીચે મુજબ શપથ લેવાના રહેશે. 

" હું .......ઈશ્વરના નામે સોગંધ લઉં છું/ ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે હું ........... (રાજયનું નામ) ના રાજયપાલના હોદ્દાની ફરજો નિષ્ઠાપૂર્વક અદા કરીશ, અને મારી પૂરી શક્તિથી સંવિધાન અને કાયદાની જાળવણી, રક્ષણ અને બચાવ કરીશ, તથા ....... (રાજયનું નામ) ના લોકોની સેવા અને કલ્યાણમાં રત રહીશ. "

અમુક આકસ્મિક પ્રસંગે રાજયપાલના કાર્યો બજાવવા બાબત (આર્ટીકલ ૧૬૦):

આ પ્રકરણમાં જેને માટે જોગવાઈ કરી ન હોય એવા કોઈ આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિ, રાજ્યના રાજયપાલના કાર્યો બજાવવા માટે પોતાને યોગ્ય લાગે તેવી જોગવાઈ કરી શકશે. 

માફી વગેરે આપવાની તથા અમુક દાખલાઓમાં સજા મુલતવી રાખવાની, તેમાથી મુક્તિ આપવાની અથવા તે હળવી કરવાની રાજયપાલની સત્તા (આર્ટીકલ ૧૬૧):

રાજ્યના રાજયપાલને રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરી હોય તે સંબંધી કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે દોષિત ઠરેલી વ્યક્તિને થયેલી શિક્ષા માફ કરવાની, તેનો અમલ મોકૂફ રાખવાની, તેમાં મહેતલ આપવાની કે તેમાથી મુક્તિ આપવાની અથવા ફરમાવેલી સજાને મુલતવી રાખવાની, તેમાથી મુક્તિ આપવાની અથવા તે હળવી કરવાની સત્તા રહેશે. 

રાજ્યની કારોબારી સત્તાનો વિસ્તાર (આર્ટીકલ ૧૬૨):

સંવિધાનની જોગવાઇઓને આધીન રહીને રાજ્યની કારોબારી સત્તા તે રાજ્યના વિધાનમંડળને જેને અંગે કાયદા કરવાની સત્તા હોય તેવી બાબતો સુધી વિસ્તરશે. પરંતુ જેના અંગે રાજ્યના વિધાનમંડળને અને સંસદને કાયદા કરવાની સત્તા હોય તેવી બાબતમાં રાજ્યની કારોબારી સત્તા આ સંવિધાનથી અથવા સંસદે કરેલા કોઈ કાયદાથી સંઘ અથવા તેના સત્તામંડળોને સ્પષ્ટપણે અપાયેલી કારોબારી સત્તાને આધીન રહેશે અને તેનાથી મર્યાદિત બનશે. 

આમ ઉપર મુજબ રાજ્યના રાજયપાલ અને તેમના હોદ્દા વિશે આપણે જાણકારી મેળવી. ઉપર જે પણ માહિતી આપવામાં આવી છે તે ભારતીય બંધારણમાં આપેલ માહિતી મુજબ જ અહી મૂકવામાં આવી છે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આભાર. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area