ગુજરાતનાં નવા મુખ્યમંત્રી:
ઘાટલોડીયાના ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે નીમવામાં આવ્યા છે. તેમનો જન્મ અમદાવાદમાં ૧૫ જુલાઇ ૧૯૬૨ ના રોજ થયો હતો. ભુપેન્દ્રભાઈ પટેલ ઔડા (Ahmedabad Urban Development Authority - AUDA) ના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેઓએ સિવિલ એન્જીનિયરીંગમાં ડિપ્લોમા કરેલ છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ ઘાટલોડીયાની બેઠક ઉપરથી ધારાસભ્ય બન્યા હતા અને પછી તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીની નિમણૂક:
ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૬૪ (૧) મુજબ મુખ્યમંત્રીની નિમણૂક એ જે તે રાજયોના રાજયપાલ દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રીની નિમણૂક એ રાજયપાલ દ્વારા કરવામાં આવે છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદ બહુમતી ધરાવતા પક્ષને સરકાર બનાવવા રાજયપાલ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અને ત્યારબાદ બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવતી હોય છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૬૪ (૩) મુજબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને રાજ્યના રાજયપાલ સમક્ષ બંધારણની અનુસૂચિ ૩ મુજબ શપથ ગ્રહણ કરવાના હોય છે. મુખ્યમંત્રીનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી. જ્યાસુધી વિધાનસભામાં બહુમતી હોય ત્યાં સુધી મુખ્યમંત્રી પોતાના પદ ઉપર રહેતા હોય છે. વિધાનસભાનો મહત્તમ કાર્યકાળ એ ૫ વર્ષનો હોય છે.