(Photo Credit : iStock)
ઈતિહાસ:
ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૬૮ માં ડો. મોક્ષગુન્દમ વિશ્વેશ્વરૈયાના જન્મદિવસને 'એન્જિનિયર્સ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે ૧૫ મી સપ્ટેમ્બરના રોજ 'એન્જિનિયર્સ ડે' ઉજવવામાં આવે છે.
શા માટે ઉજવવામાં આવે છે ?
ડો. મોક્ષગુન્દમ વિશ્વેશ્વરૈયા જેઓ મહાન એન્જિનિયર હતા તેમને શ્રદ્ધાંજલી આપવા માટે અને દેશના યુવાનોને એન્જિનિયરિંગ પ્રત્યે પ્રેરિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં એન્જિનિયરોનો ફાળો ખૂબ રહેલો હોય છે. માટે તેમને પ્રોત્સાહન આપવા અને બિરદાવવા માટે આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે એન્જિનિયરિંગ કોલેજોમાં અને અન્ય સંસ્થાઓમાં ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે.
ડો. મોક્ષગુન્દમ વિશ્વેશ્વરૈયા વિશે:
ડો. મોક્ષગુન્દમ વિશ્વેશ્વરૈયાનો જન્મ ૧૫ સપ્ટેમ્બર ૧૮૬૦ ના રોજ મૈસૂર (કર્ણાટક) ના કોલાર જીલ્લામાં તેલુગુ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રીનિવાસ અને માતાનું નામ વેંકચમ્મા હતું. તેમણે એન્જિનિયરિંગ પુનાની સાયન્સ કોલેજમાથી કર્યું હતું. જ્યારે દેશ આઝાદ નહોતો થયો ત્યારે ક્રુષ્ણરાજસાગર બાંધ, ભદ્રાવતી આયરન એન્ડ સ્ટીલ વર્કસ, મૈસૂર સંદલ ઓઇલ એન્ડ નેચરલ સોપ ફેક્ટરી, મૈસૂર યુનિવર્સિટી, બેન્ક ઓફ મૈસૂર અને અન્ય ઘણાં સ્થાપત્યો તેમના સખત પ્રયત્નોથી શક્ય બન્યા હતા.
આ કારણોસર તેમને કર્ણાટકના ભગીરથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓએ સિંધુ નદીમાથી પાણીનો પુરવઠો સુકકુર શહેરમાં મોકલવાની યોજના ઘડી હતી. આ સિવાય તેમણે ડેમમાં ઓટોમેટિક લોક સિસ્ટમની પણ શરૂઆત કરી હતી. જેની પ્રસંશા બ્રિટિશ સરકાર દ્વારા ખૂબ કરવામાં આવી હતી. આજે આ સિસ્ટમનો ઉપયોગ વિશ્વમાં કરવામાં આવે છે. એમ. વિશ્વેશ્વરૈયા દ્વારા મૂસા અને ઈસા નદી ઉપર પાણી બાંધવા માટે પ્લાન તૈયાર કર્યો હતો તે બાદ તેમને મૈસૂરના ચીફ એન્જિનિયર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વર્ષ ૧૯૧૨ માં તેમને મૈસૂરના દીવાન તરીકે નીમવામાં આવ્યા હતા. મૈસૂરમાં કન્યાઓ માટે અલગ હોસ્ટેલ અને કોલેજની શરૂઆત પણ સૌપ્રથમ તેમના દ્વારા કરવામાં આવી હતી. તેમના અથાક પ્રયત્નોને કારણે મૈસૂર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી અહતી અને તે દેશની સૌથી જૂની યુનિવર્સિટીમાની એક છે. આમ તેમનો ફાળો મૈસૂર અને ભારતના વિકાસ માટે ઘણો મહત્વનો છે. ૧૦૧ વર્ષની ઉંમરે ૧૪ મી એપ્રિલ ૧૯૬૨ ના રોજ તેમનું અવસાન થયું હતું. સૌ એન્જિનિયર્સ મિત્રોને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.