(Photo Credit - Pixabay.com)
શા માટે ઉજવવામાં આવે છે:
૫ મી સપ્ટેમ્બર ના રોજ દર વર્ષે 'શિક્ષક દિન' ઉજવવામાં આવે છે. આ દિવસ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન એ મહાન ફિલોસોફર અને સાથે સાથે શિક્ષક પણ હતા. વર્ષ ૧૯૫૨ ના રોજ તેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે નીમવામાં આવ્યા ત્યારે તેમના મિત્રો અને વિધાર્થીઓ દ્વારા તેમના જન્મદિવાસની ઉજવણી કરવા માટે ખાસ ઉત્સાહ હતો. ત્યારે ડો. રાધાકૃષ્ણન દ્વારા તેમને કહેવામા આવ્યુ હતું કે મારા જન્મદિવસ ને તમે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરો. ત્યારબાદ ૧૯૬૨ થી સમગ્ર ભારતભરમાં ૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે રાષ્ટ્રપતિ પદ ઉપર હતા ત્યારે તેમણે કહેલું કે "હું પહેલા શિક્ષક્ છું, અને પછી રાષ્ટ્રપ્રમુખ છું."
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે થોડી માહિતી:
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ મી સપ્ટેમ્બર ૧૮૮૮ ના રોજ તામિલનાડુંના તિરુત્તાની ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરસ્વામી અને માતાનું નામ સર્વપલ્લી સીતા (સીતામ્મા) હતું. નાનપણથી જ તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ તિરુત્તાનીની કે.વી. હાઈસ્કૂલમાં થયું હતું. ત્યારબાદ ૧૮૯૬ માં તેઓ તિરુપતિની હર્મન્સબર્ગ ઇવેન્જેલિકલ લ્યુથરન મિશન સ્કૂલ અને સરકારી હાઇ સેકન્ડરી સ્કૂલ, વાલાજાપેટમાં શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ ૧૯૦૬ માં તેઓએ મદ્રાસ કોલેજમાથી ફિલોસોફીના વિષયમાં માસ્ટર ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. વર્ષ ૧૯૦૯ માં તેમણે ફિલોસોફીના પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.
વર્ષ ૧૯૪૭ માં જ્યારે ભારત આઝાદ થયું હતું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. વર્ષ ૧૯૪૯ થી લઈને ૧૯૫૨ સુધી તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત તરીકે રહ્યા હતા અને વર્ષ ૧૯૫૨ માં તેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે નીમવામાં આવ્યા હતા. દેશ અને દુનિયામાં તેઓ ફિલોસોફર પ્રેસિડેંટ તરીકે જાણીતા છે. વર્ષ ૧૯૫૪ માં તેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૭૫ ના રોજ તેઓને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ટેમ્પલટન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. ઈનામમાં મળેલી બધી રકમ તેમણે આ યુનિવર્સિટીને દાન કરી દીધી હતી માટે ત્યારથી ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશીપ આપવામાં આવે છે. ૧૭ મી એપ્રિલ ૧૯૭૫ ના રોજ તેઓનું અવસાન થયું હતું.
શિક્ષક દિનની ઉજવણી:
આખા ભારતમાં ૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો શિક્ષકનું મહત્વ જાણે છે. દરેક શાળાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આજના જ દિવસે વિધાર્થીઓ પોતે શિક્ષક બનીને શિક્ષણ આપતા હોય છે. આ દિવસે વિધાર્થીઓ દ્વારા શિક્ષક બનીને શાળાનું સંચાલન અને અન્ય કામગીરી કરવાનો મોકો મળતો હોય છે. આ દિવસની ઉજવણીમાં તમે પણ ક્યારેક પોતાની શાળામાં ભાગ લીધો હશે અને આજના દિવસની ઉજવણી કરી હશે. દરેક વાંચકમિત્રોને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.