(Photo Credit : pixabay.com)
ઈતિહાસ:
વર્ષ ૧૯૮૭ માં ઓઝોન સ્તરને નુકશાન કરનાર પદાર્થો ODS ના ઉત્પાદન અને વપરાશ ઉપર નિયંત્રણ મૂકવા માટે મોન્ટ્રેલ પ્રોટોકોલ ઉપર સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. ૧૯ ડિસેમ્બર ૧૯૯૪ માં, યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભાએ ૧૬ સપ્ટેમ્બરના દિવસને મોન્ટ્રેલ પ્રોટોકોલની યાદમાં વિશ્વ ઓઝોન દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ૧૬ સપ્ટેમ્બર ૧૯૯૫ ના રોજ પ્રથમ ઓઝોન દિવસ ઉજવવામાં આવ્યો હતો.
શા માટે ઉજવવામાં આવે છે:
વર્ષ ૧૯૮૫ માં એન્ટાર્કટીકામાં ઓઝોન પડમાં ગાબડું પડ્યું હોવાનું માલૂમ પડ્યું હતું. વિશ્વમાં ઔધોગિકરણનો વ્યાપ ખૂબ પ્રમાણમા વધવાને કારણે વાતાવરણમાં પ્રદૂષણ વધારે ફેલાવવા લાગ્યું હતું. ક્લોરો ફ્લોરો કાર્બનનું પ્રમાણ વાતાવરણમાં વધવા લાગ્યું હતું જે ઓઝોનના સ્તરને ભારે નુકશાનકર્તા છે. માટે ૧૯૮૭ માં મોન્ટ્રેલ પ્રોટોકોલ રજૂ કરવામાં આવ્યો અને તેમાં ODS ના ઉત્પાદન અને વપરાશ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે તેવા હસ્તાક્ષર સભ્ય દેશો દ્વારા કરવામાં આવ્યા. ઓઝોન સ્તરમાં પડી રહેલા ગાબડાંને અટકાવવા માટે અને અઝોન સ્તર નું મહત્વ લોકો સમજે તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
ઓઝોન સ્તર વિશે:
ઓઝોન એ ઓક્સિજનના ત્રણ અણું ભેગા થવાથી બને છે. આણ્વિક ઑકિસજન (o), દ્વિ-પરમાણુ ઑકિસજન (O2) અને ત્રિ-પરમાણુ ઑકિસજન O3 મળીને ઓઝોન બને છે. વર્ષ ૧૮૪૦ માં સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને ઓઝોન વાયુની શોધ કરી હતી. ઓઝોન સ્તરની શોધ ફ્રાન્સના વૈજ્ઞાનિક ચાર્લ્સ ફેબરી અને હેનરી બુસન એ કરી હતી. ઓઝોનને સ્તરને પૃથ્વીના સુરક્ષા કવચ તરીકે ગણવામાં આવે છે. તે આપણને સૂર્યમાંથી નીકળતા ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. જે પૃથ્વી માટે ખૂબ જ હાનિકારક ગણવામાં આવે છે. આ કિરણો ચામડીના કેન્સર અને અન્ય બીમારીઓ માટે જવાબદાર ગણવામાં આવે છે.
ઓઝોનનું સ્તર એ જમીનની સપાટીથી ૧૦ થી ૩૦ કિલોમીટર ઊંચાઈએ આકાશમાં ફેલાયેલું હોય છે. જો ઓઝોન સ્તર ન હોય તો પૃથ્વી ઉપર જીવન શક્ય ન બને તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. પૃથ્વીના વાતાવરણમાં ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એકસોસ્ફિયર જેવા આવરણ આવેલા હોય છે. ઓઝોનનું આવરણ એ બીજા સ્તરમાં સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે.
ટ્રોપોસ્ફિયર - ૬ થી ૨૦ કિલોમીટર
સ્ટ્રેટોસ્ફિયર - ૫૦ કિલોમીટર સુધી
મેસોસ્ફિયર - ૮૫ કિલોમીટર સુધી
થર્મોસ્ફિયર - ૬૯૦ કિલોમીટર સુધી
એકસોસ્ફિયર - ૧૦,૦૦૦ કિલોમીટર સુધી
ઓઝોન સ્તરમાં ગાબડું પડવાનું મુખ્ય કારણ એ ક્લોરોફ્લોરો કાર્બન (CFC) છે. જેમાં ભંગાણ પડવાના કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા પૃથ્વીના વાતાવરણમાં આવી જતાં પૃથ્વીના તાપમાનમા નોંધપાત્ર વધારો થયો છે. તેના કારણે જમીનની ફળધ્રુપતા ઘટવા લાગી છે. મનુષ્યને ચામડીના કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. જળ અને ભૂમિ પરની સજીવસૃષ્ટિ ઉપર ગંભીર અસરો થવા લાગી છે.