(Photo Credit: pixabay.com)
ઈતિહાસ:
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ ૨૦૦૭ માં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮ માં પહેલીવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દર વર્ષે ૧૫ મી સપ્ટેમ્બરના રોજ આંતરાષ્ટ્રીય લોકશાહી દિવસ (International Day of Democracy) ઉજવવામાં આવે છે.
મહત્વ:
આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનું મુખ્ય મહત્વ એ છે કે તે તમામ લોકોને, સરકારને માનવ અધિકારોનું સન્માન કરવા અને લોકશાહીમાં અર્થપૂર્ણ ભાગીદારી પ્રદાન કરવાની વિનંતી કરે છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ એ એક દિવસ છે જે લોકોને ચિંતાના મુદ્દાઓ પર શિક્ષિત કરવા, રાજકીય ઇચ્છાશક્તિ અને સંસાધનોને વિશ્વભરમાં સમસ્યાઓ હલ કરવા અને માનવતાની સિદ્ધિઓને મજબૂત કરવા માટે ઉજવવામાં આવે છે.
લોકશાહીનો અર્થ :
લોકશાહીને અંગ્રેજીમાં "Democracy" તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ એ ગ્રીક ભાષાના શબ્દ Demos અને Kratia ઉપરથી ઉતરી આવેલ છે. જેનો અર્થ Demos એટલે લોકો અને Kratia નો અર્થ થાય છે શાસન. આમ ડેમોક્રેસીનો અર્થ થાય છે લોકશાસન.
લોકશાહીની વિવિધ વ્યાખ્યાઓ જોવા જઈએ તો..........
"ઘણા લોકો જે તંત્રમાં ભાગ લે તે લોકશાહી" - અરિસ્ટોટલ
"લોકશાહી એટલે લોકોની સરકાર, લોકો દ્વારા ચાલતી સરકાર અને લોકો માટેની સરકાર" - અબ્રાહમ લિંકન
"લોકશાહી પ્રજાને પોતાની ભૂલો કરવાનો હક બક્ષે છે" - વિલિયમ જેનિંગ્સ બ્રિયાન
"લોકશાહી એ સમાજનો એવો પ્રકાર છે કે જેમાં સહુનો ફાળો હોય છે" - જેમ્સ રસેલ લોવેલ
વધુ માહિતી:
લોકશાહીના પ્રકારો જોવા જઈએ તો લોકશાહીના બે પ્રકાર છે. પ્રત્યક્ષ લોકશાહી અને પરોક્ષ લોકશાહી. જ્યારે રાજ્યના કાર્યમાં પ્રજા પ્રત્યક્ષ રીતે ભાગ લેતી હોય તેને પ્રત્યક્ષ લોકશાહી કહેવામા આવે છે અને ન લેતી હોય તો તેને પરોક્ષ લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ ભારત જ્યારે આઝાદ થયું ત્યારે તરત જ આપણે લોકશાહીનો અમલ કરી દીધો હતો. લોકશાહીમાં ચૂંટણીપ્રથા એ કેન્દ્ર સ્થાન ધરાવતી હોય છે. લોકશાહી વિશે જોવા જઈએ તો આમ તો તેના વિશે ઘણું લખવા જેવુ છે પણ તે આપણે પછીથી સમજીશું.