(Photo Credit : un.org)
દર વર્ષે ૨૧ મી સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (International Day of Peace) ઉજવવામાં આવે છે. વિશ્વના તમામ દેશોમાં અને તમામ લોકોમાં શાંતિ બની રહે તે માટે ૧૯૮૧ થી આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ મનાવવાની જાહેરાત ૧૯૮૧ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરવામાં આવી હતી અને વર્ષ ૧૯૮૨ થી આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવવામાં આવે છે. પહેલીવાર આ દિવસ વર્ષ ૧૯૮૨ માં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે ઉજવવાનું નક્કી થયું હતું. ત્યારબાદ ૧૯૮૨ થી ૨૦૦૧ સુધી સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આ દિવસ ઉજવાયો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૦૦૨ થી દર વર્ષે ૨૧ મી સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઉજવવાનું નક્કી થયું. આજ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પહેલા પોતાનું ઉદ્ઘાટન સત્ર યોજતું હતું.
સફેદ કબૂતરોને શાંતિના સંદેશવાહક માનવામાં આવે છે. આ દિવસે સફેદ કબૂતરો ઉડાવીને શાંતિનો સંદેશ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રથી લઈને વિવિધ સંસ્થાઓ, શાળાઓ અને કોલેજોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક ન્યુયોર્ક ખાતે એક બેલ રાખવામા આવેલ છે. આ બેલ વગાડીને આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ બેલ જાપાનના સંયુક્ત રાષ્ટ્ર એસોશિએશન દ્વારા ભેટ આપવામાં આવ્યો છે અને તેના ઉપર 'વિશ્વ શાંતિ અમર રહો' નું સૂત્ર લખવામાં આવેલું છે. આ બેલ વિશ્વભરમાથી બાળકો દ્વારા એકઠાં કરાયેલ સિક્કાઓ દ્વારા બનાવવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૧૫ માં યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશોએ ૧૭ ટકાઉ વિકાસ લક્ષ્યો અપનાવ્યા હતા. કારણ કે તે સમજે છે કે વિશ્વવ્યાપી શાંતિ પ્રાપ્ત કરવા માટે દરેક જગ્યાએ તમામ લોકો માટે આર્થિક અને સામાજિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને તેમના અધિકારોની ખાતરી કરવી. ટકાઉ વિકાસ લક્ષ્યોમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાં ગરીબી, આરોગ્ય, શિક્ષણ, આબોહવા પરિવર્તન, લિંગ સમાનતા, પાણી, સ્વચ્છતા, ઉર્જા, પર્યાવરણ અને સામાજિક ન્યાયનો સમાવેશ થાય છે.