(Photo Credit: https://gu.wikipedia.org/)
જીવન પરિચય:
ગૃહ અને ગ્રામજીવનને કવિતાનો વિષય બનાવનાર એવા કવિ બોટાદકરનો જન્મ ૨૭ નવેમ્બર ૧૮૭૦ ના રોજ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતાક્ષેત્રે રહેલું જોવા મળે છે. તેઓએ માત્ર ધોરણ છ સુધી જ અભ્યાસ કરેલો. તેઓ તેર વર્ષની ઉંમરે શિક્ષક બનેલા અને અન્ય ઘણા વ્યવસાય કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે અજમાવેલા. વેપાર અને વૈદું પણ કરેલા પણ તેમને તે ફાવ્યું નહોતું. ત્યારબાદ તેઓ વર્ષ ૧૮૯૩ માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ખાતે ગયા હતા. મુંબઈના નિવાસ દરમિયાન તેમણે ત્યાં સસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. વર્ષ ૧૯૦૭ માં તબિયત સારી ન રહેવાના કારણે તેઓ પરત વતન આવી ત્યાં ફરીથી શિક્ષકનો વ્યવસાય ચાલુ કર્યો હતો. ૭ સપ્ટેમ્બર ૧૯૨૪ ના રોજ તેમનું અવસાન થયું હતું.
તેમણે કરેલું સર્જન:
તેમના મહત્વના કાવ્યસંગ્રહોમાં ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’, ‘નિર્ઝરિણી’, ‘રાસતરંગિણી’ અને ‘શૈવલિની’ નો સમાવેશ થાય છે. તેમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે. ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ એ તેમની પ્રારંભિક કૃતિઓ ગણાય છે.
‘રાસતરંગિણી’ ના રાસે તેમને રાસકવિ તરીકે પ્રસિદ્ધ કર્યા છે. તે જમાનમાં ગુજરાતણોને આ રાસો ખૂબ જ પસંદ આવ્યા હતા. આ કાવ્યોમાં તેમણે પ્રકૃતિ અને ગૃહજીવનને સારી રીતે કાવ્યોમાં ઉતાર્યા છે. આ મધુર નિરૂપણે તેમને ‘સૌંદર્યદર્શી કવિ’ નું બિરુદ અપાવ્યું છે. રાસતરંગિણી એ કવિ બોટાદકરનો ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’ અને ‘નિર્ઝરિણી’ પછીનો ચોથો કાવ્યસંગ્રહ છે. ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ જેવી પ્રખ્યાત ગરબી એ આ કાવ્યસંગ્રહ રાસતરંગિણી માં જોવા મળે છે.
કવિ બોટાદકરનો પાંચમો અને મરણોત્તર કાવ્યસંગ્રહ એ શૈવલિની છે. આ કાવ્યસંગ્રહમાં કવિ બોટાદકર પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને સમાજજીવનના વિવિધ પ્રસંગો અને ભાવોને આમાં આવરી લે છે. 'અભિલાષ’ એ તેમની છેલ્લી રચના તરીકે ગણવામાં આવે છે. જે એક કવ્વાલી પ્રકારની રચના હતી.
માહિતી સ્ત્રોત: https://gu.wikipedia.org/wiki/દામોદર_બોટાદકર