(Photo Credit: Pixabay.com)
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસનો ઇતિહાસ જોવા જઈએ તો આ દિવસ ઉજવવાની પહેલ એ બિન સરકારી સંગઠન 'પ્લાન ઈન્ટરનેશનલ' પ્રોજેકટના રૂપમાં થઈ હતી. આ સંગઠન દ્વારા 'કારણ કે હું છોકરી છું' નામથી એક અભિયાન શરૂ કર્યું હતું. આ પછી, આ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરવા માટે કેનેડાની સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પછી કેનેડા સરકારે ૫૫ મી સામાન્ય સભામાં આ ઠરાવ મૂક્યો. આખરે સંયુક્ત રાષ્ટ્રએ ૧૯ ડિસેમ્બર ૨૦૧૧ ના રોજ આ ઠરાવ પસાર કર્યો અને તેના માટે ૧૧ ઓક્ટોબરનો દિવસ પસંદ કર્યો. આમ ૧૧ ઓક્ટોબર, ૨૦૧૨ ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તે સમયે તેની થીમ 'બાળ લગ્ન સમાપ્ત કરવા' હતી.
આમ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાની શરૂઆત ૨૦૧૨ થી કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમને તેમના અધિકારો પૂરા પાડવામાં મદદ કરવાનો છે. આ દિવસે બાલિકાઓ માટે ખાસ કાર્યક્રમો રાખવામા આવે છે અને આ દિવસ દર વર્ષે અલગ થીમ રાખીને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. હાલમાં જોવા જઈએ તો દરેક ક્ષેત્રમાં મહિલાઓનું પ્રદાન મહત્વનુ રહ્યું છે. હવે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે. આમ આવા દિવસ ઉજવીને તેમને વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે.