(Photo Credit : Pixabay.com)
હિન્દી ભારતની વ્યાપકપણે બોલાયેલી ભાષાઓમાંની એક છે અને તેને સન્માન આપવા માટે એક દિવસ સમર્પિત છે જેને 'હિન્દી દિવસ' કહેવામાં આવે છે. ભારતના ઘણા હિન્દી બોલતા રાજ્યોમાં સત્તાવાર ભાષાઓમાંની એક તરીકે દેવનાગરી લિપિમાં હિન્દીને અપનાવવા માટે આ ખાસ દિવસ ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે ૧૦ મી જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આમ ૧૪ મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ અને ૧૦ મી જાન્યુયારીએ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવતો હોય છે.
પહેલો વિશ્વ હિન્દી દિવસ એ વર્ષ ૨૦૦૬ માં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દી દિવસના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ ૨૦૦૬ માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે ૧૦ જાન્યુઆરીને 'વિશ્વ હિન્દી દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં હિન્દીના પ્રચાર માટે ૧૦ જાન્યુઆરી, ૧૯૭૫ ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રથમ વિશ્વ હિન્દી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ૩૦ દેશોના ૧૨૨ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ માટે ૨૦૦૬ થી, દર વર્ષે ૧૦ જાન્યુઆરીએ, 'વિશ્વ હિન્દી દિવસ' સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
'વિશ્વ હિન્દી દિવસ' ઉપરાંત, 'રાષ્ટ્રીય હિન્દી દિવસ' દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ ના રોજ બંધારણ સભા દ્વારા હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, ત્યારથી આ દિવસ ૧૪ મી સપ્ટેમ્બરના રોજ 'હિન્દી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં, વિશ્વભરની સેંકડો યુનિવર્સિટીઓમાં હિન્દી શીખવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લાખો લોકો હિન્દી બોલે છે. એટલું જ નહીં, હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી પાંચ ભાષાઓમાંની એક છે.
પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, યુગાન્ડા, યુએસએ, યુકે, જર્મની, ન્યુઝીલેન્ડ, ગુયાના, સુરીનામ, ત્રિનિદાદ, દક્ષિણ આફ્રિકા અને મોરેશિયસ સહિત ઘણા દેશોમાં હિન્દી બોલાય છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ગણતરી મુજબ, હિન્દી વિશ્વની ૧૦ શક્તિશાળી ભાષાઓમાંની એક છે. વર્ષ ૨૦૧૭ માં, 'અચ્છા', 'બડા દિન', 'બચ્ચા' અને 'સૂર્ય નમસ્કાર' જેવા હિન્દી શબ્દો પ્રથમ વખત ઓક્સફોર્ડ શબ્દકોશમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.