આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસ એ ૧૦૦ વર્ષથી ઉજવવામાં આવે છે. સૌપ્રથમ મહિલા દિવસની ઉજવણી વર્ષ ૧૯૧૧ માં કરવામાં આવી હતી. મહિલા દિવસને લઈને લોકોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક લોકો આ દિવસની ઉજવણીનું કારણ નારીવાદને માને છે. જો કે, તેના મૂળ મજૂર આંદોલન સાથે જોડાયેલા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસંદ કરાયેલ રાજકીય અને માનવ અધિકારોને ધ્યાનમાં રાખીને, આ દિવસ મહિલાઓના રાજકીય અને સામાજિક ઉત્થાન માટે ઉજવવામાં આવે છે.
વિખ્યાત જર્મન કાર્યકર ક્લેરા ઝેટકીનના પ્રયાસોને કારણે, વર્ષ ૧૯૧૦માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસે મહિલા દિવસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપ અને આ દિવસે જાહેર રજા માટે સંમત થઈ હતી. આ પછી, ૧૯ માર્ચ, ૧૯૧૧ ના રોજ, ડેનમાર્ક અને જર્મનીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. જોકે, વર્ષ ૧૯૨૧માં મહિલા દિવસની તારીખ બદલીને ૮ માર્ચ કરવામાં આવી હતી. ત્યારથી, સમગ્ર વિશ્વમાં ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ ૧૯૦૯માં ન્યૂયોર્કમાં સૌપ્રથમવાર મહિલા દિવસનું આયોજન સમાજવાદી અને રાજકીય કાર્યક્રમ તરીકે કરવામાં આવ્યું હતું. પછી ૧૯૧૭ માં, સોવિયત સંઘે આ દિવસને રાષ્ટ્રીય રજા ઘોષિત કરી હતી. ત્યારબાદ ધીરે ધીરે તમામ દેશોમાં આ દિવસની ઉજવણી થવા લાગી હતી અને હવે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું મુખ્ય કારણ એ મહિલાઓને પોતાના અધિકારો પ્રાપ્ત થાય અને તેઓ જાગૃત થાય પોતાના અધિકારો માટે તેનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટે તેમનામાં જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં જોઈએ તો હવે દરેક જગ્યાએ સ્ત્રીઓ પુરુષ સાથે ખભે થી ખભો મેળવીને ચાલી શકે છે. દેશના વિકાસમાં પણ તેમનું યોગદાન વધી રહ્યું છે. વિવિધ ક્ષેત્રે હવે મહિલાઓનું યોગદાન મહત્વનું જોવા મળતું હોય છે. બસ મહિલાઓ પ્રત્યે સહાનુભુતિ દાખવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે મહિલા દિવસ કોઈ ને કોઈ થીમ પર આધારિત હોય છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર, આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (IWD 2022) ની થીમ છે 'જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો' એટલે કે મજબૂત ભવિષ્ય માટે લિંગ સમાનતા જરૂરી છે.