'બોક્સિંગ ડે'નું નામ સાંભળીને જો તમે વિચારી રહ્યા હોવ કે અહીં બોક્સિંગની વાત થઈ રહી છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. તમને જાણીને નવાઈ લાગશે કે "બોક્સિંગ ડે" માં બોક્સિંગ સાથે કઈ લેવા દેવા જ નથી. ક્રિસમસ પછીનો દિવસ એટલે કે (૨૬ ડિસેમ્બર) વિશ્વના ઘણા ભાગોમાં બોક્સિંગ ડે તરીકે ઓળખાય છે. ક્રિકેટ જગતમાં, ઓસ્ટ્રેલિયા દર વર્ષે આ દિવસે ટેસ્ટ મેચ શરૂ કરે છે અને તેને 'બોક્સિંગ ડે ટેસ્ટ' કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા આ દિવસે માત્ર મેલબોર્નમાં જ ટેસ્ટ મેચ રમે છે.
પશ્ચિમી દેશોમાં ખાસ કરીને યુકેમાં બોક્સિંગ ડે ઉજવવામાં આવે છે. ક્રિસમસ પછીનો દિવસ એટલે કે ૨૬ નવેમ્બર બોક્સિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આ દિવસને બોક્સિંગ સાથે કોઈ લેવાદેવા નથી. ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા વગેરે જેવા બ્રિટિશ કોમનવેલ્થ દેશોમાં પણ બોક્સિંગ ડે ઉજવવામાં આવે છે.
ક્રિસમસના બીજા દિવસે એટલે કે ૨૬મી ડિસેમ્બરને બોક્સિંગ ડે કહેવામાં આવે છે. આ દિવસે ચર્ચમાં પરંપરાગત રીતે બોક્સ ખોલવામાં આવે છે, બીજું કારણ એ છે કે ક્રિસમસના દિવસે કામ કરવાના બદલામાં સેવકોને ૨૬ ડિસેમ્બરે ભેટ આપવામાં આવે છે અને તેમને પરિવાર સાથે સમય પસાર કરવાની પણ છૂટ આપવામાં આવે છે. આ દિવસે પરિવાર સાથે સમય પસાર કરવા માટે રજા આપવામાં આવે છે. તેથી જ તેને બોક્સિંગ ડે કહેવામાં આવે છે.
પશ્ચિમી ખ્રિસ્તી ધર્મના ધાર્મિક કેલેન્ડરમાં, બોક્સિંગ ડે નાતાલના દિવસ પછીનો બીજો દિવસ છે અને તેને સેન્ટ સ્ટીફન ડે પણ કહેવામાં આવે છે. આયર્લેન્ડ અને સ્પેનના કેટાલોનિયામાં સેન્ટ સ્ટીફન ડે તરીકે ઉજવવામાં આવે છે. ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી આ દિવસને વર્ષ ૧૮૩૦ અને બ્રિટન સાથે જોડે છે, જે જણાવે છે કે તે ક્રિસમસ ડે પછી અઠવાડિયાનો પ્રથમ દિવસે રજા હોય છે, જેમાં અલગ-અલગ જગ્યાએ કામ કરતા લોકોને ક્રિસમસ-બૉક્સ મળે છે. આ બોક્સની પરંપરાને કારણે તેનું નામ બોક્સિંગ ડે રાખવામાં આવ્યું છે.
બોક્સિંગ-ડે ટેસ્ટ મેચની શરૂઆત ૧૯૫૦માં થઈ હતી. જોકે તે દર વર્ષે રમાતી ન હતી. ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ બોક્સિંગ મેચ હતી જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. વર્ષ ૧૯૫૨માં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. ત્યારબાદ ૧૯૬૮માં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ હતી. વર્ષ ૧૯૮૦ એ વર્ષ બન્યું જ્યારે દર વર્ષે તેને રમવાની પરંપરા શરૂ થઈ. ત્યારથી ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકાની ટીમો સતત બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ રમી રહી છે. ટીમ ઈન્ડિયા પણ સમયાંતરે બોક્સિંગ ડે ટેસ્ટનો ભાગ બને છે.