Ads Area

પોરબંદર પંથકનો માધવપુર-ઘેડનો મેળો.

Madhavpur Ghed Melo
(Image: Gujarat Tourism)

સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં આવેલ માધવપુર-ઘેડ વિસ્તારમાં ચૈત્ર સુદ-નોમથી સુદ -તેરસ સુધી માધવરાય એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીનો વિવાહ પ્રસંગ યોજવામાં આવે છે. આ લગ્ન સમારંભને માણવા દેશભરમાંથી શ્રીકૃષ્ણના ભક્તજનો અહિયાં આવે છે અને મોટી માનવ મહેરાણ સર્જાય છે જે એક મેળાનું સ્વરૂપ ધારણ કરે છે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે દર વર્ષે ચૈત્ર સુદ નૌમથી (રામનવમીના દિવસથી) સતત સાત દિવસ પાંચ દિવસ સુધી આ મેળાનું આયોજન થાય છે.

લોકવાયકા:

લોકવાયકા પ્રમાણે જોવા જઈએ તો ભગવાન કૃષ્ણ એ રુકમણી સાથે અહિયાં મંદિરમાં આવીને પરણ્યા હતા. પુરાણ કથા મુજબ જોઈએ તો વિદર્ભ રાજકુંવરી રુકમણીનું ભગવાન શ્રી કૃષ્ણ ગિરનારમાં ભરાતાં મહાશિવરાત્રિના ભવનાથના મેળામાંથી અપહરણ કરીને માધવપૂર લઈ આવ્યા હતા અને અહિયાં તેમના લગ્ન થયાં હતા.  તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહિયાં મધવરાયનો મેળો ભરાય છે. ભગવાન શ્રી કૃષ્ણના અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહિયાં માધવરાયના મેળામાં યોજવામાં આવે છે.

ઉજવણી:

ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણને લાડ લડાવવા અને તેમના લગ્નની યાદમાં પોરબંદર જિલ્લામાં આવેલ માધવપૂરમાં ઘેડના મેળાની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. આ બધી જ ઉજવણીની વ્યવસ્થા અને આયોજન શ્રી માધવરાયજી મદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આજુબાજુના ગામના લોકોને અલગ અલગ સમિતિઓ બનાવીને જુદા જુદા વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવે છે. મેળામાં વિવિધ પ્રકારની ચકડોળ અને અન્ય ખાણી-પીણીના સ્ટોલ પણ જોવા મળે છે. રબારી, ઘેડિયા, કોળી, મેર જાતિના લોકો પોતાના સાંસ્કૃતિક પોશાક પહેરીને આ મેળામાં આવે છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. 

શ્રી ગોપાલ લાલજીનું ફુલેકું:

શ્રી ગોપાલ લાલજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું બાળસ્વરૂપ. મેળો ચૈત્ર સુદ નૌમના દિવસથી શરૂ થઈ જાય છે અને તેની સાંજે એટલે કે રામનવમીની સાંજે ફુલેકાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ ફુલેકામાં હજારો લોકો જોડાય છે અને સાથે ભજન કીર્તન અને લોકગીતોની રમઝાવટ જામે છે. શ્રી ગોપાલ લાલજીનું ફુલેકું શ્રી માધવરાયજીના મંદિરેથી નીકળીને પૂર્વના દરવાજા બહાર ઉત્તર બાજુના પૌરાણિક બ્રમહકુંડનાં પૂર્વ કાંઠા ઉપર આવેલ પાંચ પાંડવની દેરી પાસે લાવવામાં આવે છે. આમ ફરતા ફરતા કિર્તનોની રમઝટ વચ્ચે વરણાગી (પાલખી) અગીયાર વાગ્યા જેવુ પોતાના નીજ સ્થાને પાછી ફરે છે. આ ફુલેકું ચૈત્ર સુદ નૌમ, દસમ અને અગિયારસ આમ ત્રણ દિવસ સુધી ચાલે છે.

જાનનું આગમન:

ભગવાન શ્રી કૃષ્ણના ફુલેકાની ત્રણ દિવસની ઉજવણી પૂર્ણ થયાં બાદ ચૈત્ર સુદ બારસના દિવસની સવારની પહોરમાં પોરબંદરના રાજવી પરિવાર દ્વારા મોકલવામાં આવેલ ધજા લઈને માધવપુરની બાજુમાં આવેલ કડછ ગામના લોકો આવે છે. પ્રથમ આ મંદિરના ભક્તજનો તરફથી આ ધજાનું વાજતે ગાજતે સામૈયું કરવામાં આવે છે. આ બાદ આ ધજા શ્રી માધવરાય મંદિર ઉપર શાસ્ત્રોક્ત વિધિ કરીને મંદિર ઉપર ચડાવવામાં આવે છે. 

સાંજે ચાર વાગ્યાના સમયે શ્રી માધવરાયના નવા મંદિરના પ્રાંગણમાં મોટો સામિયાણો ગોઠવવામાં આવે છે. ત્યાંથી બે ઘોડાઓ વાળા લાકડાના શણગારેલા રથમાં ભગવાનના બે ફુલેકા નીકળે છે. આ પ્રસંગ બાદ તરત જ ભગવાન શ્રી કૃષ્ણની જાન પરણવા માટે વરઘોડા સ્વરૂપે મંદિરેથી નીકળે છે અને જે જગ્યાએ શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્ન થયાં હતા તે રૂક્ષ્મણી મઠ ખાતે પહોંચે છે. આવા ખુશીના અવસર ઉપર લોકો લગ્નોત્સવ પ્રંસંગે લોકો ઢોલ, શરણાઈ, નગારા તેમજ અલગ અલગ પ્રકારનાં વાંજીત્રો વગાડીને કિર્તન અને લગ્નગીતો ગાતા જાય છે. અહિયાં વરરાજાની જાનનું ભવ્યાતીભવ્ય રજવાડી ઠાઠમ ઠાઠથી સ્વાગત (સામૈયું) કરવામાં આવે છે.

લગ્નવિધિ પ્રસંગ:

વરરાજાના જાનનું સ્વાગત કર્યા પછી વરરાજા શ્રી કૃષ્ણને વિવાહ મંડપમાં લઈ જવામાં આવે છે. જ્યાં વરરાજાને પોખવાની ભવ્ય વિધિ કરવામાં આવે છે. આ વિધિનો લાભ લેવા માટે લોકો દ્વારા ઉચ્ચ બોલીઓ બોલવામાં આવે છે અને જે પૈસાનો વધારે ચડાવો કરે તેને આ વિધિનો લાભ આપવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયાં બાદ ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ શરૂ કરવામાં આવે છે. આ દરમિયાન કન્યાપક્ષ અને વરપક્ષના મહેમાનો અલગ અલગ બેસે છે અને લગ્નવિધિ દરમિયાન બંને પક્ષ દ્વારા લગ્નગીતો ગાવામાં આવે છે. આ શુભપ્રસંગે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે. 

કન્યાવિદાય:

સામાન્ય રીતે આપણે જેમ કન્યા વિદાય જોઈએ છે તેમ વિદાયના સમયે બે વેવાઈ સામ સામે બાથ ભીડીને કરુણ પ્રસંગે એકબીજાને દિલાસો આપે છે. જાન રાત મધુવનમાં પસાર કરે છે અને સવારે જાન પરણીને પરત જાય છે. ભગવન શ્રીકૃષ્ણની જાન પરણીને પરત નીજ મંદિરે આવે છે. ફરીથી જાનના આગમન પ્રસંગે ઠાઠથી સામૈયા થાય છે. જેમાં ઢોલ, શરણાઈ અને સંગીતના શૂરો રેલાય છે. આ દરમિયાન માધવપુર પધારેલા સૌલોકો આ લગ્નોત્સવનો અને મેળાનો આનંદ માણે છે. ખરેખર આવા મેળાઓ મનુષ્યનાં જીવનને આનંદથી ભરી દે છે અને આનંદમય જીવન જીવવાની પ્રેરણા આપે છે.માહિતી સ્ત્રોત: ગુજરાત રાજ્ય માહિતી ખાતું અને વિકિપીડીયા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area