Ads Area

સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો

Somnath Fair

આમ જોવા જઈએ તો ગુજરાત ભરમાં ઘણા બધા લોકમેળાઓનું આયોજન દર વર્ષે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થતું હોય છે. આ મેળાઓનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ અનેરું મહત્વ જોવા મળે છે. જેમાં તમને વિવિધ જિલ્લાના અલગ અલગ પહેરવેશ અને ભાષાઓ બોલનારા લોકો જોવા મળે છે. આજે આપણે એક એવા ગુજરાતના પ્રસિદ્ધ મેળા વિશે વાત કરવાના છીએ. આજે આપણે સૌરાષ્ટ્રમાં ભરાતાં સોમનાથના કારતીકી પૂર્ણિમાના મેળા વિશે વાત કરવાના છીએ.

સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ભારતભરના મેળાઓ કરતાં જુદી ભાત પડે છે. અરબી સમુદ્ર જેનું પાદ પ્રક્ષાલન કરે છે તેવા ભગવાન સોમનાથના સાનિધ્યે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સોમનાથ મંદિરના છેલ્લા નિર્માણ પછી એટલે કે છેલ્લા અઠ્ઠાવન વર્ષથી કારતક માસની તેરસ, ચૌદસ અને પૂનમે પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. સોરઠ પ્રદેશ તરીકે ઓળખાતા આ પ્રદેશની પ્રજાનું આ એક મહામૂલું લોકપર્વ છે.

ગુજરાત રાજ્યના પશ્ચિમ દિશામાં આવેલ સુંદર અને આકર્ષક દરિયાકિનારે સમયના બદલાતા જતાં વહેણ સાથે અડીખમ ઉભેલા ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર ભૂતકાળમાં અનેકવાર વિદેશી આક્રમણખોરોએ લૂંટ ચલાવીને તોડફોડ કરી છે. આવું કર્યું બાદ પણ સોમનાથનું આ મંદિર ફરી-ફરીને પ્રસ્થાપિત થયું છે. પ્રાગઐતિહાસિક યુગમાં પણ આ મંદિર નિર્માણ પામતું રહ્યું હોવાના પુરાવાઓ પણ મળેલ છે.

ઈ.સ. ૧૨૨ માં ભાવબ્રહસ્પતિએ રચેલી 'સોમનાથ પ્રશસ્તિ'માં જણાવ્યા મુજબ સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રે બનાવ્યું છે. બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું, ભગવાન શ્રી કૃષ્ણએ લાકડાનું બનાવ્યું અને ભીમદેવે પથ્થરનું બનાવેલું. આ મંદિર પ્રાસાદ નાગરશૈલીમાં બંધાયેલ છે. નવનિર્મિત સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ ઉપરાંત સભામંડપ અને નૃત્ય મંડપ પણ આવેલ છે. ભગવાન શિવને નટરાજ એટલે કે નૃત્યના રચયિતા આધ્યપુરુષ ગણવામાં આવે છે. આથી શિવમંદિરમાં નૃત્ય મંડપની રચના ઉચિત ગણવામાં આવે છે. આ મંદિરની એક ખાસિયત છે કે, 

કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ આકાશનો ચંદ્ર અને શિવલિંગ બંને એક સીધી લીટીમાં આવી જાય છે, જાણે કે ભગવાન ત્રીપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી પર ન ઉતર્યા હોય. ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયાં બાદ સોમનાથનો લોકમેળો શરૂ થાય છે. મેળામાં ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાનોમાં શ્રીકૃષ્ણ ગોલોકધામ (દેહોત્સર્ગ) ત્રિવેણી સંગમ, પ્રભાસ તીર્થ ભૌગોલિક તીર્થના દર્શન પણ થાય છે. 

મેળામાં પાંચ દિવસ દરમિયાન પ્રત્યેક દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. આધ્યાત્મિક-સાંસ્કૃતિક પ્રદર્શન, પ્રભાસતીર્થના ભૂમિગત નકશા સાથે ભૌગોલિક તીર્થ દર્શન-વિભૂતિ દર્શન ગેલેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિશાળ જગ્યામાં રંગ અને લાઈટથી બાવન શક્તિ પીઠો અને બાર જ્યોતિર્લિંગોને પ્રદર્શિત કરવામાં આવી છે. સાથે સાથે સાત્વિક મનોરંજન માટે બાળકોને આનંદ, પ્રમોદ અને રમત-ગમત માટે નાના મોંટાઝુલા, જલકુંડો, ફુવારા, જળધોધ, નૌકાવિહાર, તેમજ ચકડોળ જેવી રાઈડ્સ, ભોજન અને ઉપહાર કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવે છે. 

આશરે ૨૦ એકરના ત્રિવેણીઘાટના કાંઠે વિશાળ મેદાનમાં સુવિધાઓ ઉપલબદ્ધ કરવામાં આવે છે. મેળામાં નાટ્ય, સંગીત સંધ્યા, શિવ અને કૃષ્ણ ઉપર ભક્તિ ભજનો, લોકકથા અને વાર્તાઓનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અસ્મિતાના લોકશિક્ષણનું એક પ્રબળ માધ્યમ બની રહે તે માટેના પ્રયાસ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદ મધ્યસ્થ જેલના કેદી-બંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હાથવણાટની ચીજવસ્તુઓ અને કલાકૃતિઓ તથા જેલ ઉત્પાદિત અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ અહિયાં કરવામાં આવે છે. અરબી સમુદ્રના ઉછળતા મોજા દેવાધિદેવ ભગવાન સોમેશ્વરનું સાનિધ્ય અને અનુપમ દેહલાલિત્યનો નઝારો આ લોકપર્વમાં આવતા લોકોને માણવા મળે છે. ઉપરાંત સોમનાથની આજુબાજુ એશિયાટિક લાયનને નિહાળવાના શ્રેષ્ઠ સાસણ ગીર અને ગીર અભયારણ્ય પણ તમે ત્યાં નજીકમાં જોઈ શકો છો.

માહિતી સ્ત્રોત: ગુજરાત રાજ્ય માહિતી ખાતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area